કંઈક એટલે કે......!!




અંદર
કોઇક નાજુક ખૂણામાં
કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે.
વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં.
આ કંઇક શું હશે ?

દુનિયા બહુ ઉદાર છે.

અમુક લોકો મતલબથી ઉદાર છે
અમુક દિલથી !

હોય હવે..!!જેવી જેની જરુરિયાત.
એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા....

પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને!
સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું.
ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ –
ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે.
કિચૂડાટ –
કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી,
કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે,
ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો !
થોડો વિચારમાં પડી ગયો…
આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ?
કેટલાં વખતથી હું આમ જ
મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં
ગૂંચળું બનીને પડી રહયો છું ?
ચમક તો મારામાં છે જ…

એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે.
એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે
કાચ જેવી આભાસી પણ નથી
એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે.
જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે.
હું બધું જ જાણું છું..સમજુ છું..
કદાચ હવે એ જાણવા, સમજવાથી વાત આગળ વધારીને
બીજા લોકો એ જાણે,માને ત્યાં, સ્વીકારે ત્યાં સુધી મારે જવાનું છે.
જોકે, એ માટે તો સૌપ્રથમ મારે મારી જાતને માનવાની છે.
આ કામ મારે જ કરવું પડશે
કોઇ ઓપ્શન જ નથી.
બીજાઓ બહુ બહુ તો બહારથી ટેકો આપી શકશે
અંદરથી તો મારે જ વિકસવાનું – મજબૂત થવાનું છે.
રસ્તો અજાણ્યો છે, પણ પાંખોમાં ભરપૂર સમજણ ભરી છે
વળી મંઝિલની પણ જાણ છે,
નીકળવાની શરુઆત તો કરવા દે,
જ્યાં છું એ સ્થાનથી આગળ
ક્યાંક તો પહોંચીશ જ ને..
મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે
એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.
ચાલ જીવ…હામ ભીડ ત્યારે
બીજા તારામાં વિશ્વાસ મૂકી શકે ત્યાં સુધીની સફર ખેડવા !
પેલું કંઈક એટલે શું –
હવે મને પૂરેપૂરું સમજાય છે.

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી