Posts

Showing posts from August, 2017

જિંદગી ના યુ ટર્ન !

જિંદગી વિશે હંમેશાં એવું કહેવાતું આવ્યું છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ..... સાચી વાત છે, પણ એનો મતલબ જરાયે એવો નથી.... કે જે થાય એ થવા દેવું..... જિંદગીની દરેક ઘટનાને આપણે મૂક પ્રેક્ષક બનીને જોતા ન રહી શકીએ. જિંદગીના અમુક બનાવો એવા હોય છે જેની અસરો આખી જિંદગી લંબાતી હોય છે. સ્મરણો ભુલાતાં નથી. વેદનાઓ વિસરાતી નથી. પરિણામો ભોગવવાં પડતાં હોય છે. ભૂલોને સહન કરવી પડતી હોય છે. એટલા માટે જ દરેક ઘટનાઓ પર વિચાર કરવો પડતો હોય છે. ભૂતકાળના બનાવો ભવિષ્ય પર પ્રકાશ ફેલાવી શકે અને અંધકાર પણ લાવી શકે..... જિંદગીમાં જે કંઈ બને છે એ બધું આપણા હાથમાં નથી હોતું. આમ છતાં કંઈક ન ધારેલું બની જાય પછી તો આપણે એને આપણી ઇચ્છા....મરજી અને આવડત મુજબ વાળવું પડતું હોય છે. જિંદગીમાં ભૂલો પણ થવાની. ભૂલનું એવું છેને કે એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય. અમુક ભૂલો થતા થઈ જતી હોય છે. અમુકમાં તો આપણને ખબર પણ હોય છે કે આપણે જે કરીએ છીએ એ સાચું નથી. આપણે ક્યાંક જતા હોઈએ અને ખબર પડે કે આપણે ભૂલથી ખોટા રસ્તે આવી ગયા છીએ... ત્યારે આપણે યુ-ટર્ન લઈને પાછા ફરતા હોઈએ છીએ..... જિંદગીમાં પણ ક્યારેક યુ-ટર્ન લેવો પડતો હોય છે.