સંવેદના સાથે નો સંકલ્પ

સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી. કોઈ માણસ કોઈ પણ મુકામે પહોંચ્યો હોય તો તેની પાછળની કોઈ કથા હશે. ઘણી કથા વ્યથામાંથી આકાર પામતી હોય છે. મજબૂરી પણ મજબૂતી બનીને બહાર આવતી હોય છે. તાળીઓ મેળવવા માટે માણસે પોતાની સાથે તાલ મિલાવવો પડે છે. ફૂલ માટે છોડ સંઘર્ષ કરતો હશે? ફૂલ ઉગાડતા પહેલાં છોડે કેટલાં પાંદડાં ઉગાડવાં પડે છે? કેટલા કાંટાઓનો સામનો કરવો પડે છે? ક્યારેક તો એવું લાગે કે ફૂલ માટે પણ છોડે લાયકાત કેળવવી પડે છે! પોતાનું વજૂદ સાબિત કરવું પડે છે! સુગ હોય ત્યાં સુગંધ ન હોય!

દરેક માણસની પોતાની થોડીક અંગત મજબૂરી હોય છે. થોડીક પોતીકી જવાબદારીઓ હોય છે. જિંદગી જવાબ માગે છે. આપણે એ જવાબ આપવા પડે છે. જવાબ અને જવાબદારીથી તમે છટકી ન શકો. દરેક વખતે હાથ ખંખેરીને ઊભા થઈ જવાતું નથી. હાથ ફેલાવવા પડે છે. સવાલો સાથે બાથ ભીડવી પડે છે. પ્રેમ પણ સાબિત કરવો પડે છે. નફરત પણ નિભાવવી પડે છે. એમને એમ તો કંઈ જ થતું નથી. હું તને પ્રેમ કરું છું એમ કહી દેવાથી જ પ્રેમ સર્જાતો નથી. પ્રેમ દેખાવો જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. હું તને પ્રેમ કરું છું, પણ હું મજબૂર છું એવું પ્રેમમાં ન ચાલે. આવું હોય તો પ્રેમનું આયુષ્ય ખૂટી જાય છે.

મજબૂરી જેવું ખરેખર કંઈ હોય છે? કે પછી આપણે આપણી સાથેની જવાબદારીઓ અને આપણી સામેના પડકારોને મજબૂરીનું નામ આપી દઈએ છીએ? મજબૂરીનું નામ આપીને ઘણી વખત તો આપણે ખોટું આશ્વાસન મેળવતા હોઈએ છીએ. છટકબારી શોધતા હોઈએ છીએ. આપણે કરવું હોતું નથી એટલે મજબૂરીને આગળ ધરી દઈએ.

તમારી કોઈ મજબૂરી છે? હશે. હોવાની જ. દરેકની હોય છે. તમે એને સાથે રાખીને આગળ વધી શકો છો? તો આગળ વધો. ઘરની જવાબદારી, પરિવારની જવાબદારી, ભાઈ-બહેનને સાચવવાની જવાબદારી સાથે પોતાની સાથેની એક જવાબદારી પણ હોય છે. એ જવાબદારી એટલે બધી જ જવાબદારી છતાં આપણું સપનું સિદ્ધ કરવું. કોઈ જવાબદારીથી ભાગવાનું નહીં. કોઈ મજબૂરીને વગોવવાની નહીં. મોટાભાગના લોકોને એવું થતું હોય છે કે મારે નોકરી કરવી પડે છે એટલે કરું છું, બાકી નોકરી ન કરું. મારું મનગમતું કામ કરું. પગારની જરૂર હોય છે. રૂપિયા જોતા હોય છે. ઘરનું પૂરું કરવાનું હોય છે. મા-બાપને સાચવવાનાં હોય છે. છોકરાંવને મોટાં કરવાનાં હોય છે. બધાની જરૂરિયાત પૂરી કરવાની હોય છે. તમે શું માનો છો, જે લોકો સફળ થયા છે એને કોઈ જવાબદારીઓ નહીં હોય?

મજબૂરી તો એક છટકબારી છે. યાર, મારે કરવું હતું પણ હું આ કારણે ન કરી શક્યો એવું ઘણા કહેતા હોય છે. ન કરવા માટે ઘણાં બહાનાં મળી જવાનાં છે, કંઈ કરી છૂટવા માટે બધાં બહાનાંને બાજુએ મૂકી દેવાં પડે છે.  ઘણું બધું છોડવું પડે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સાધનોની પાછળ દોડીએ છીએ, સાધનાની પાછળ નહીં. પરીક્ષા પાસ કરવી છે, પણ વાંચવું નથી, સ્વાસ્થ્ય સારું રાખવું છે, પણ યોગ કરવા નથી, તપશ્ચર્યા વગર કોઈ સાધના સિદ્ધ થતી નથી. મુશ્કેલીઓ હોવાની, તકલીફો થવાની, જવાબદારીઓ પણ હોવાની જ, આ બધાં છતાં તમે આગળ વધો તો જ સાચા.

તમારી મજબૂરીને તમારું મોટિવેશન બનાવી શકો? એક યુવાનની આ વાત છે. તેને જવાબદારીઓ પૂરી કરવા કામ કરવું પડે એમ હતું. મજબૂરી હતી. તેણે કહ્યું, મેં મારી મજબૂરીને જ મોટિવેશન બનાવી દીધી. કરવાનું છે તો બેસ્ટ કર, દિલથી કર, તારા તમામ પ્રયાસો એમાં રેડી દે, મજબૂરી ન હોત તો કદાચ આજે હું જ્યાં છું ત્યાં ન હોત! કોઈ ને કોઈ મજબૂરી હોવાની જ. મજબૂરી વગરનો માણસ હોઈ જ ન શકે. એની સાથે જ આગળ વધવાનું હોય છે. છેલ્લે તો તમારી સફળતાની જ નોંધ લેવાશે, તમારી મજબૂરીની નહીં!

લોકો પાસે શક્તિ તો હોય જ છે, અભાવ માત્ર ને માત્ર સંકલ્પનો હોય છે.....!!!

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી