માતૃભાષા ની મમતા

માતૃભાષા આપણી આંખ છે.
એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે
અન્ય ભાષાનાં શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ...
ટપાલી તો કોરું પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે
પહોંચાડી શકે.
શુદ્ધ ગુજરાતીમાં પાંચ વાક્યો
બોલનારો યુવાન ક્યાંક ભેટી જાય ત્યારે
દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે....
એ વળી, ખરું અંગ્રેજી બોલે
ત્યારે લાગે કે ભવ સુધરી ગયો....
મને ગુજરાતી બોલતાં ફાવતું નથી,
એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને
લાફો મારવાનું મન થાય છે.
અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો
નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી
વંચિત રહ્યાં અને વળી, વર્ડ્ઝવર્થના કાવ્ય
‘ધ ડોફોડિલ્સ’નું સૌંદર્ય પણ ન પામ્યાં.
કલાપીની ‘ગ્રામ્ય માતા’ ન ભણ્યાં
તે તો ઠીક; પરંતુ થોમસ હાર્ડીની
‘વેધર્સ’ની સૌંદર્યનુભૂતિ પણ ન પામ્યાં.
તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી,
વોલ્ટ વ્હીટમનથી પણ અનભિજ્ઞ રહી ગયાં.
બચારાં ન ઘરનાં રહ્યાં, ન ઘાટનાં.
નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ?
વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક
‘થેંક યુ’, ‘ઓ.કે.’ અને ‘સોરી’ બોલનારો
લાડકો ગગો પણ સ્માર્ટ લાગે છે..

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી