પાસવર્ડે જીવન બદલી નાખ્યું..



એક સરસ મજાની સવારે ઓફિસ પહોંચી મેં મારું કોમ્પ્યુટર ઓન કર્યું ત્યાં જ સામે મેસેજ આવ્યો "તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ચૂક્યો છે." ઓફિસમાં સુરક્ષા પોલીસીને ધ્યાનમાં લઈ અમારે દર મહિને પોતપોતાના કોમ્પ્યુટર નો પાસવર્ડ ચેન્જ કરવો પડે છે. મારા થોડા જ સમય પહેલા થયેલા છૂટાછેડા ને લીધે હું ઘણો વ્યથિત હતો. તેણે - મારી પત્નીએ મારી સાથે જે કર્યું એ તે કઈ રીતે કરી જ શકે એવા વિચારો મને સતત સતાવતા હતા.

પાસવર્ડ બદલતી વખતે મારા બોસે મને એ અંગે આપેલી ટીપ મને યાદ આવી. તેમણે કહેલું,"હું એવો પાસવર્ડ રાખીશ  જે મારું જીવન બદલી નાખે." મારી વર્તમાન  મન:સ્થિતી એવી હતી કે હું કોઇ પણ એક કામ પુરું કરવા તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો નહોતો. આ પાસવર્ડ વાળી બીનાએ મને વિચાર કરવા પ્રેર્યો કે મારે મારા છૂટાછેડાની ઘટનાને મારા પર હાવી થવા દેવી જોઇએ નહિ અને મારે પરિસ્થિતી બદલવા થોડા મજબૂત મનોબળ સાથે ચોક્કસ કંઈક કરવું જોઇએ.

મેં મારો પાસવર્ડ રાખ્યો 'Forgive@her'. હવે દિવસમાં ઘણી વાર જ્યારે મારું કોમ્પ્યુટર લોક થઈ જાય ત્યારે તે અનલોક કરવા મારે મારો આ નવો પાસવર્ડ ટાઈપ કરવો પડતો. રોજ જમ્યા પછી કામ પર પાછો ફરું, બ્રેક બાદ કોમ્પ્યુટર પર કામ ફરી શરૂ કરું ત્યારે મારી પત્નીને  હું માફ કરતો. આ એક સરળ પગલાએ મારો ભૂતપૂર્વ પત્ની તરફ જોવાનો દ્રષ્ટીકોણ બદલી નાખ્યો. ક્ષમાભર્યા એ નાનકડા પાસવર્ડ સંદેશાએ મને જે બીનાઓ બની હતી તેનો સ્વીકાર કરતા શિખવ્યું અને મને હતાશાની એ ઉંડી ખીણમાંથી બહાર કાઢ્યો જેમાં હું સરકી ગયો હતો. એ પછીના મહિને જ્યારે પાસવર્ડ બદલવાનો વારો આવ્યો ત્યાં સુધી હું હળવોફૂલ થઈ ગયો હતો, મુક્ત થઈ ગયો હતો.

એ પછીના મહિના માટેનો મારો નવો પાસવર્ડ હતો 'Quit@smoking4ever' આ વખતે મને ધૂમ્રપાન છોડી દેવાના લક્ષ્યને સિદ્ધ કરવાની પ્રેરણા મળી અને હું એ બદીમાંથી મારી જાતને મુક્ત કરી શક્યો.

એક મહિના પછી મારો પાસવર્ડ હતો 'Save4trip@europe' અને ત્રણ મહિનામાં હું યુરોપની મુલાકાતે જઈ આવ્યો.

આ નાનકડા રીમાઈન્ડર્સે મને મોટા મોટા લક્ષ્યાંકો હાંસલ કરવામાટે સતત પ્રેર્યો, ઉત્સાહીત કર્યો અને એમાં સફળતા અપાવી.

કેટલીક વાર તમારા ધ્યેયો સિદ્ધ કરવાનું કામ અઘરું બની જતું હોય છે પણ આ રીતે તેમને સતત યાદ રાખતા રહેવાથી અસરકારક પરીણામ મળે છે.

હવે પછીનો મારો પાસવર્ડ છે 'Lifeis#beautiful' ... અને મને વિશ્વાસ છે મારું જીવન ટૂંક સમયમાં બદલાઈ જવાનું છે...


Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી