બલી નો બકરો

ઈદને અહિંસક ન બનાવી શકાય ?

ઇસ્લામ ધર્મ ઈન્સાનિયતનો વિરોધી હરગિઝ નથી જ, એવા ભરોસા સાથે આ વાત કહેવી છે.

કહેવાય છે કે, હઝરત ઇબ્રાહિમની કસોટી કરવા ખુદાએ એક વખત એમની સૌથી પ્રિય ચીજની કુરબાની આપવા કહ્યું. ઇબ્રાહિમને પોતાનો પુત્ર સૌથી પ્રિય હતો. તેઓએ પોતાની આંખો પર પટ્ટી બાંધીને પુત્રની કુરબાની આપી, પરંતુ જયારે પટ્ટી ખોલીને જોયું તો એમના પુત્રને બદલે એમના બકરાની કુરબાની ખુદાએ કબૂલ કરી લીધી હતી અને એમનો પુત્ર સલામત જ ઊભો હતો.

આ ઘટનાના પ્રતીક રૂપે ઇદની ઉજવણી માટે બકારાનું બલિદાન આપવાની ટ્રેડિશન છે.

સીધો સાદો સવાલ એ થાય કે હિંસાનો માર્ગ કદીય ધર્મનો માર્ગ હોઈ શકે ખરો ?

ઇમ્પોર્ટન્ટ સવાલ તો એ પણ છે કે, બીજાના જીવની કુરબાની આપવાનો આપણને હક જ કેટલો ? અરે, નીતિની અને ઈમાનની વાત કરીએ તો બીજાની કોઈ નિર્જીવ વસ્તુ પર પણ આપણો કશો હક નથી હોતો, તો બીજા નિર્દોષ અને અબોલ જીવની કુરબાની આપવાનો હક કઈ રીતે મળે ?

જો પ્રિય ચીજ ભેટ આપવી જ હોય તો શું પોતાનો જીવ પ્રિય નથી હોતો ? કેમ કોઈ પોતાની કુરબાની નથી આપતું ? શું દરેક મુસલમાનને બકરો જ પ્રિય હોય છે ?

કુરબાની અને બલિ માટે હંમેશાં કાયર અને કમજોર પ્રાણીઓની જ પસંદગી કેમ થાય છે ? વાઘ-સિંહ જેવાં પ્રાણીઓનો બલિ ચઢાવવાનું જોખમ કેમ કોઈ નથી લેતું ?

ખુદાને બકરાનો જીવ લેવામાં શો ઇન્ટરેસ્ટ હોય ? રહેમત કરનાર ખુદા તો બીજાનો જીવ બચાવે, એ વળી કુરબાની માંગે ખરા ? ખુદા કમજોર કે બદદાનતવાળો નથી, તો પછી પરોક્ષ રીતે એ આપણી પાસે હિંસા કરાવે જ શા માટે ? ખુદાની પવિત્ર મહાનતાને આપણી ગેરસમજની ફૂટપટ્ટીથી માપીને આપણે એનું ઈન્સલ્ટ તો નથી કરી રહ્યા ને ?

એક જગાએ રાત્રે, બલિ આપવા માટે અનેક પ્રાણીઓ ભેગાં કર્યાં હતાં. ત્યાંથી કોઈ ફકીર નીકળ્યા. એમણે કહ્યું, બલિ ચઢાવતાં પહેલાં, ખુદાને બલિ જોઈએ છે કે નહિ એ તો જાણો. લોકોએ પૂછ્યું, પણ અમારે ખુદાની મરજી જાણવી શી રીતે ? ફકીરે ઉપાય બતાવ્યો કે આ તમામ પ્રાણીઓને એક વાડામાં પૂરી દઈને ખુદાને રિકવેસ્ટ કરો કે, આટલાં પ્રાણીઓમાંથી તારે જોઈએ તેટલાં અને જે જોઈએ તે જાતે જ લઈ લેજે. અમે તારી પસંદગીની કદર કરીશું. ખુદાને આવી રિકવેસ્ટ કરીને તમે પોતપોતાના ઘેર જાઓ. સવારે જેટલા બકરાની હત્યા થયેલી હોય એટલાની ખુદાને જરૂર છે એમ માનજો.

સહુએ ફકીરના ગાઇડન્સ મુજબ કર્યું. સવારે વાડામાં જઈને જોયું તો એક પણ પ્રાણીની હત્યા થયેલી નહોતી.

સૌને ફકીરની વાત અને ખુદાની મરજી સમજાઈ ગઈ.

આપણને સમજાશે કે નહિ ?

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી