.....મને ગમે.......!!!

સિંહની ગર્જના કરતાં મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે...
આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા મને ગમે...

મુશળધાર વરસાદ તાંડવ કરતાં છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ મને ગમે...

ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં કિનારી એ મરકમરક કરતી લહેરીઓની કુમાશ મને ગમે...
સેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ મને ગમે...

પહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા કરતાં સ્વપ્નમાં ખોવાયેલ બેકબેન્ચરના પ્રસન્નમુખ ચહેરાની મીઠાશ મને ગમે...

જ્યાં, જ્યારે પણ લાગ મળ્યે સાથીદારોને આગળ-પાછળ છરીની અણી ભોંકતા આગળ ધસતા સફળ એક્ઝિક્યુટિવ કરતાં ‘લૂઝર’નું લેબલ પહેરી
પોતાના ટેબલે શાંતિથી કામ કરતો કલાર્ક મને ગમે...

શબ્દોથી બીજાને વહેરી નાખતાં ન અચકાતાં, ન ખચકાતાં કર્કશ વેણપ્રહાર કરતાં બે-માત્ર બે જ- મીઠા બોલ થી દુઃખથી ખરડાયેલા કોઈના મન ને ટાઢક આપનાર દિલદાર મને ગમે...

કોઈ પણ ભોગે ધનના ઢગલા સર કરવાની મથામણ માં જિંદગી ખરચી નાખનાર કરતાં હાઈકુની નાનકડી રચનામાં મનના બધા ભાવો ઉલેચી દેવા મથતા કવિની મથામણ મને ગમે...

'જે હું નથી તે હું જ છું’ બતાવવા મોહરાં પહેરી જીવનારી સભ્યતા કરતાં
‘હું છું તે આ જ છું’માં મહાલનારી સાચકલી સાદાઈ મને ગમે.....

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી