આંસુ

તમે બઘા કોણ?

અમે?
અમે આંસુ.

તો અહીંયા કેમ આવ્યા?

અમને પોતપોતાની ઓળખ જોઈએ છે.

ઠીક છે,અહી લાઈનમાં આવી પોતપોતાનો પરિચય આપો.

એક રડમસ આંસુ આવી બોલ્યું:
હું રુમાલથી લુછેલું આંસુ,મારુ અસ્તિત્વ રુમાલમાં જ રહી જાય છે...!

તેના પછી લાઈનમાં વૃધ્ધ લાગતુ આંસુ લાકડીના ટેકે આવ્યું:
હું નોધારું છું, ટપ કરીને માટી પર પડી જાઉ છું ને એટલી માટી ખારી બસ એટલું જ...!

એક આંસુ તો ભીનો તકીયો નાચોવીને કહે:
હું છું પણ કોઈને દેખાતું નથી કારણ કે હું રાતે જ આવુ છું....!

ત્યાં કોઈ અભિમાની જેવું લાગતું આંસુ લાઈનમાં વચ્ચે જ ઘુસીને કહે:
અરે! આપણે પડીયે તો સીધા હથેળીના ત્રાજવે પડીયે....ને અનમોલ થઈ જાઈએ...હંહ...!

અરે તમે ત્યાં કેમ ઊભા છો બધાથી અલગ? તમારે ઓળખ નથી જોઈતી?

ત્યા ખુણેથી એક સુકાયેલું આંસુ આગળ આવ્યુ ને કહે:
ના સાહેબ મારે કોઈ ઓળખ-બોળખ ન જોઈએ ...ગરીબના આંસુ છીએ ગાલ પર રહેવા જગા મળે તોયે બસ...!

અરે વાહ! તમે તો બહું જ સુંદર છો..

મલક મલક થાતું એક જણ આગળ આવ્યું:
હા ...હું હરખના આંસુ છું એટલે જ તો...આ જુઓ મારા પર તો સોનાનો વરખ પણ ચડેલો છે..!

ત્યા અચાનક એક આંસુને જોઈ અંદરોઅંદર બધા ગુસપુસ કરવા લાગ્યાં

અરે બધા શાંતી રાખો અને તેમને પણ અંદર આવવા દો..

તેણે આવતાંની સાથેજ જોર જોરથી રડવાનું શરું કર્યુ ને કહે:
મને બધાએ બહું જ વગોવી મુક્યું છે...તેઓ મને મગરનાં આંસુ માને છે..!

અચાનક બધા સ્તબ્ઘ થઈ પાછળ જોવા લાગ્યા...

કોણ છે?

એક આંસુ જેવુ લાગતું ટીપું આગળ આવી કહે:
હું ગ્લિસરીનનું ટીપું છું પણ તમે કહો તો અઢળક આંસુ પાડી બતાવું...મને ઓળખ મળશે?

બધા એક સાથે બોલી ઉઠ્યા:
હા અમને બધાને જુદી જુદી ઓળખ આપો....કરણ કે જ્યા કોઈની પણ આંખોમાં અમે આવીએ કે લોકોના મનમાં રડવાનું કારણ જાણવાનું કુતૂહલ ચાલુ થઈ જાય.....અમને ઓળખથી થોડી તો મદદ મળે...

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી