પુરૂષ ના સપ્તરંગો 🌈

એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે?

તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ?
હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ?
તમારા સંતાનોનો પિતા?
સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા?
સોલિટેરની ગિફ્ટ?
લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ?

પુરૂષ શું છે?

પિતા?
પ્રેમી?
પતિ?
કે
દોસ્ત?

પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે.
પુરૂષનાં આ સાત રંગ છે.🌈
સલામતી,
સ્વીકૃતિ,
સંવેદના,
સહકાર,
સમર્પણ,
સંગાથ
અને
સંવાદ.

પુરૂષ એ સલામતી છે…
અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીનાં નામે કરી દેતી વખતે એને ક્યારેય પણ એવો વિચાર આવતો નથી કે એ દગો દઇને જતી રહેશે તો? એ સલામત થવામાં નહીં પણ સલામતી આપવામાં માનતો હોય છે.

પુરૂષનો બીજો રંગ છે- સ્વીકાર
સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એનાં કરતાં પણ પુરૂષો માટે કોઇપણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની-નાની વાતને ગાઇ-વગાડીને મોટી કરી શકે છે પણ પત્નીની નહીં ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતો નથી. કશુંપણ બદલી નાંખવાનાં વિચારોને અમલમાં મૂકવા કરતા એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશા સહેલો લાગે છે.

પુરૂષનો ત્રીજો રંગ છે-સહકાર.
આ એનો સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે પીછેહઠ કરી લેતી હોય છે. પુરૂષ આવું કરતો નથી. બીજા પુરૂષને મદદ કરવાની આવે ત્યારે એ પાછળ હટી જતો નથી. એ સહકારમાં માને છે.

પુરૂષનો ચોથો રંગ છે સંવેદના.
એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે-એ રડીને, કકળાટ કરીને, ટોન્ટ મારીને એને વ્યક્ત કરતો નથી. દિવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જીંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઇની પણ જાણ બહાર પુરૂષ એને લીલીછમ રાખવાનાં પ્રયત્નો કરતો રહે છે.

પુરૂષનો પાચંમો રંગ છે-સમર્પણ.
આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી છે પણ એનો અર્થ એવો નથી કે પુરૂષો સમર્પિત હોતા નથી. સ્ત્રીનાં કમિટમેન્ટ કરતા પુરૂષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘાટ્ટું હોય છે. ‘આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે…’ આવું સ્ત્રી અનેકવાર કહેતી હોય છે-પુરૂષ આવું બોલતો નથી. એ વિના બોલ્યે જવાબદારીઓ નિભાવતો રહે છે.
પુરૂષનો સૌથી મહત્વનો રંગ છે-*સંવાદ અને સંગાથ.*
સડી ગયેલા સંબંધમાં શ્રધ્ધા રાખીને એ છેલ્લે સુધી સંગાથ જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઇ શકે છે પણ પુરૂષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઇ જતો હોય છે.
જેન્ટલમેન કિસે કહેતે હૈ…આયુષ્યમાન ખુરાનાનો આ વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થયો છે. દુનિયાભરમાં સેંકડો સ્ત્રીઓએ મી ટુ…કહ્યું. સંબંધમાંથી ફાયદો લઇ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે એવું ગાઇ-વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એકપણ પુરૂષે પોતે જાણ્યે-અજાણ્યે સીડી બન્યાની ફરિયાદ ન કરી-કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટાભાગનાં પુરૂષોમાં હોય છે. પોતે કરેલા સમાધાનોને ગાઇ-વગાડીને કહેવાનું એમને માફક આવતું નથી.

પુરૂષ ખુલ્લે આમ રડી શકતો નથી. શયનેષુ રંભા, ભોજનેષુ માતા…જેવો કોઇ શ્લોક એના માટે બન્યો નથી એટલું જ…બાકી એ પણ એનાં હિસ્સાનો રોલ નિભાવતા હાંફી જતો હોય છે-તમારી જેમ જ. એણે ઘરમાં વાસણ માંજવાનાં હોતા નથી. રસોઇ બનાવવાની હોતી નથી. એણે ઓફિસે જવાનું હોય છે. ઢગલેબંધ વાવાઝોડાં સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે. ઓફિસમાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચેથી ભીનાં થયા વિના પસાર થવાનું હોય છે. એને પિરિયડ્સ આવતા નથી. કમર કે પગનાં દુખાવાની ફરિયાદ એ વારેવારે કરતો નથી. સિગરેટનાં એકાદા કશ સાથે કે વ્હીસ્કીનાં પેગ સાથે એ થોડી ગાળો બોલી લે છે-બસ. દોસ્તો સાથેની એની વાતમાં કેન્દ્ર સ્થાને પત્ની, સાસુ, સસરા કે સાળો હોતા નથી.

એની પણ પોતાની ઇચ્છાઓ હોય છે. એની આંખો પણ સપનાંઓ જુએ છે. આ બધું હું શું કામ વેંઢારું…એવો સવાલ એને પણ થતો હોય છે-પણ એ ચૂપ રહે છે. સપનાંઓ શોપિંગ મોલમાં વેચાતા મળતા નથી કે ઇચ્છાઓની કોઇ દુકાનો હોતી નથી-એવું એ જાણતો હોવા છતાં ગજવામાં તમારા સપનાઓ અને ઇચ્છાઓનું લાંબુ લિસ્ટ લઇને આખો દિવસ ફરતો રહે છે. 
ઇશ્વરે એનું સર્જન કર્યું ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાંસી-ઠાંસીને ભરી દીધી છે એવું નથી. અંધારાનો ડર એને પણ લાગતો જ હોય છે અને તોય તમારો હાથ પકડીને એ હિંમતથી કહી શકે છે-ડરતી નહીં. સંજોગોથી એ પણ ડરી જતો હોય છે-મુશ્કેલીઓ સામે એને પણ ફફડાટ થતો હોય છે અને તો ય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર સતત ચાલતો રહે છે. એ ગજબ છે...

પોતાની છાતીમાં મેઘધનુષ લઇને ફરતા પુરૂષને સમજવાનું તો અઘરું જ છે, પણ એનાં રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઇએ-સ્ત્રીઓએ આ એક જ વાતને સમજવાની જરૂર છે....

દરેક પુરૂષને એનું મેઘધનુષ દેખાય શકે એટલો વરસાદ મળી રહે એવી શુભેચ્છાઓ....🌈

Comments

  1. very nice analysis... but evertime its not about man or woman...its about maturity expected from both side....both have different needs different expectations ....so they behave differently.... its about maturely accepting each other ....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી