દોસ્તી

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે.
મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ.
ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે.
આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી.
માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે.
આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે.
દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે.
મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે.
એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી.
મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે.
સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટે નો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે.
મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો.
કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે.
મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી.
પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો….
‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસુસ કરો
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો…
પ્રેમ થી આગળનું એક પગલું " મૈત્રી "
વિશ્વના આટલા માનવ મહેરામણ માં જે આપણને પ્રેમપૂર્વક ગાળ આપી શકે અને ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી.
મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.
જેમાં ગુણ અને દોષ ઓગળી ને એકરૂપ થઈ જાય તે જ ખરી મૈત્રી સાબિત થઈ શકે.
મૈત્રી એટલે જે દીવો બનીને આપણા એકાંતના અને ઉદાસી, વ્યથા તથા પીડાના અંધકારને દૂર કરતું ઓસડ.
મૈત્રી એટલે જ્યાં રુચિ-અરુચિનો લોપ થઈ જાય, જ્યાં અસ્તિત્વ પોતે એકાગ્રતા સાધી શકે.
જેને આપણી દરેક ઇચ્છાની અગાઉથી જાણ થઈ જતી હોય તે વ્યક્તિ એટલે મિત્ર.
જે આપણા જીવનના અનાજમાં પડેલાં કાંકરા અને ફોતરાઓને તારવીને અલગ કરી આપે અને આપણને એની ખબર પણ ન પડવા દે તે ઉત્તમ મિત્ર...
હસવાના પ્રસંગે ધરાઈને હસી ન શકીએ અને રડવાના પ્રસંગે ધરાઈને રડી ન શકીએ ત્યારે માનવું કે આપણને અંગત મિત્રની ખોટ સાલે છે.
અભરાઈ પર ઊંચે મૂકેલી આનંદ અને ખુશીઓથી ભરેલી બરણી ઉતારવામાં જ્યારે પ્રેમની હાઇટ ઓછી પડે ત્યારે જે આ બરણી ઉતારી આપે એનું નામ મૈત્રી...

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી