ભારત નો સાવજ

સુરતના જાંબલી થઈ ચૂકેલા કેસરિયા આકાશમાં મોદી...મોદી...મોદી...ના ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા, એક સાથે મોબાઇલ કેમેરાની હજારો કિલક થઈ રહી હતી, લાખો હાથ ઊંચા થઈ રહ્યા હતા...હર્ષની ચિચિયારીઓ સાથે સિટીઓ પર સિટીઓ વાગતી હતી. સુરત જાણે ગાંડુતુર બન્યું હતું. જ્યારથી આ દ્શ્ય જોયું ત્યારથી એ વિશે લખવાની અદમ્ય ઇચ્છા મારામાં જોર કરી રહી હતી કેમકે આ બધું જ જોયુ હતું...કોઈ પક્ષ, સમાજ કે ધર્મ પ્રેરિત નહીં.

દોસ્તો , ખરેખર ગજબનો સિનારિયો હતો. રવિવારની સાંજે સુરત એરપોર્ટથી લઈને છેક અઠવા લાઇન્સ Circuit હાઉસ સુધીની ડામરની પહોળી સડકના બંને કિનારે, સડકની મધ્યમાં ડિવાઇડરની ધાર પર લોકોની હકડેઠઠ્ઠ ભીડ જામી હતી. મુખ્ય માર્ગની પાછળના રસ્તાઓ પરથી કિડિયારાની જેમ લોકો આવી રહ્યા હતા ને સડકના કિનારે ઊભેલા લોકોની સાથે જોડાઈ રહ્યા હતા. જાણે મુખ્યમાર્ગની બંને કોર પર માનવસમુહનો સમંદર હિલોળા લેતો હતો તેમના Real Heroની એક ઝલક જોવા માટે.

...અને એ ક્ષણ આવી ગઈ, પ્રજાના હર્ષોઉલ્લાસનો બાંધ તૂટી ગયો જ્યારે રસ્તાના બેય કિનારે હિલોળા લેતા માનવ સમંદરનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા. ક્ષણો પૂરતો જાણે સમય થંભી ગયો. સંધ્યાના ઘેરા રંગો પાછળ સુરજ પણ લીન થઈ ગયો. ...ને સુરતના આકાશ પર ઉતરી ચૂકેલા કેસરિયા અંધકારએ ૧૧ કિલોમીટરના માર્ગ પર કરાયેલી રોશનીને જાણે જીવતી કરી દીધી હતી. એ રોશનીને ધીરેધીરે ચિરતી એક કાળી ચકચકિત્ એસયુવી ( DL 9C AA 7635) પાણીના રેલાની માફક સરકતી આગળ વધી રહી હતી અને એક હાથે કારના Sun-Roofને પકડીને ઊભેલો એ વિકાસ પુરુષ જ્યારે બીજા હાથને લોક અભિવાદન ઝીલવા ઊંચો કરીને હલાવે છે ત્યારે લોકોનો ઉન્માદ તેની ચરમસીમા પર હતો. મોદીની એક ઝલક યુવાઓના જીગરમાં ઘોડાના ડાબલાનો તરખાટ મચાવી રહી હતી અને તે તરખાટ-ઉન્માદ-આનંદ...બધું જ હર્ષની ચિચિયારીઓમાં પરાવર્તિત થઈ રહ્યું હતું.

...તો બીજી તરફ આ અકલ્પિનય જનપ્રતિભાવ અને ઉન્માદ જોઈને લોકલાડિલા એ રાજકિય મહાનાયકની આછી ભૂરી આંખોમાં તણાતા તેજલિસોટા પેલી સડકની રોશનીને ઝાંખી કરી રહ્યાં હતા.

ભારતના એ સ્વપ્નદ્ષ્ટા કહો કે ન્યુ ઇન્ડિયાના આર્કિટેક્ટ કે પછી કોઈ ભવિષ્યવેતાના મતનો યુગપુરુષ. પણ રવિવારની એ ઢળી ચૂકેલી સુરતી સાંજે આછા પીળા રંગના કુરતામાં શોભતો એ પુરુષ ગીરના કોઈ નરકેસરી જેવો ભાસતો હતો. જંગલમાં જાણે સ્વૈરવિહાર માટે નીકળેલો કોઈ સાવજ. ગુજરાતનો પોતિકો સાવજ. જેને ગુજરાત પછી દેશના એક પછી એક પ્રદેશો પર પોતાની હાક અને આણ વર્તાવી હતી. તેની ડણકએ ભારતભૂમિ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું....અને હવે આમ પ્રજાના હ્દય સમ્રાટ તરીકેનું સ્થાન પામી રહ્યો હતો.

હૈયે હૈયું ભટકાય તેટલી મેદનીને છતાંય દરેકના ચહેરા પર આનંદ અને ગર્વના ભાવો ફેલાયેલા હતા અને તેના પડધા અકલ્પનિય રીતે ભારતના આ યુગપુરુષના ચહેરા પર પડતા હતા. તેમની ચારેકોર સમાંતર અંતરે બ્લેક કમાન્ડોની સુરક્ષાજાળ હતી પરંતુ તે એવી ન હતી કે ભેદી ન શકાય. તેમ છતાં સરહદો પરના તનાવએ વધારી દીધેલી હુમલાની ભીતિનો ઓછાયો પણ એ જનપ્રતિનિધિના ચહેરા પર દુરદુર સુધી ડોકાતો ન હતો.

દોસ્તો, તમારામાંથી ઘણાં આ ક્ષણોના સાક્ષી બન્યા હશો. એ ક્ષણો અભૂતપૂર્વ અને અનન્ય હતી. ખુબસુરત અને ઉત્સાહપ્રેરક હતી. ક્યારેય ન ભૂલાય તેવી. સુરતને આટલી ગવિૅષ્ઠ ક્ષણોનું સાક્ષી બનાવવા બદલ આભાર પ્રધાનમંત્રીજી.

હું અહીં કહેવાતા બુધ્ધિજીવીઓના મનની વાત નથી કરતો રવિવારની એ સાંજે સાવ સામાન્ય માનવીઓના ચહેરા પર મેં જોયું ...વાંચ્યું અને અનુભવ્યું તે અહીં આલેખ્યું.  સંભવ છે અનેકના મનમાં આ લખાણ વિશે, દેશના વડાપ્રધાન માટે ઘણાં પ્રશ્નો હશે પરંતુ જ્યારે સમગ્ર સુષ્ટિ કોઈનો સ્વીકાર કરે...તેના શાસનને સ્નેહથી માથે ચડાવે ત્યારે તે વ્યકિત સાથે જોડાયેલા અનેક પ્રશ્નો કે માન્યતાઓ ગૌણ બની જાય છે. હા, પરંતુ એક વાત ચોક્કસ છે કે...પ્રજાના આ અખૂટ સ્નેહએ વડાપ્રધાનજીની જવાબદારીઓને અનેકગણી વધારી દીધી છે. પ્રજાની આંખોમાં જે સપનાઓનું વાવેતર કરાયું છે તેને લીલાછમ કરવા પડશે ને તેમાં વિકાસના મીઠા ફળના આંજણ આંજવા પડશે. મોદીજી, પ્રજાના આ અતૂટ ભરોસાને બરકરાર રાખશો તેવા વિશ્વાસ સાથે જય ભારત, જય હિન્દ.

Comments

Post a Comment

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી