~ લોકો મારા જીવનના ~


મારા જીવનમાં આવનજાવન કરતાં, સ્થાઈ-અસ્થાઈ લોકોની બાબતમાં હું જ્યારે પણ વિચારું છું, ત્યારે એક વૃક્ષ સાથે તેમની સરખામણી કર્યા વિના હું રહી શકતો નથી.
ભલેને પછી તે વ્યક્તિ મારો મિત્ર હોય, પરીવારજન હોય, પાડોશી હોય, ઓફિસનો કોઈ સહ-કર્મચારી હોય, કે પછી કોઈ પણ હોય..
આ બધાને હું જે નિરીક્ષણ-ક્રિયા હેઠળ પસાર કરું છું, તે ક્રિયાને મેં નામ આપ્યું છે- ‘વ્રુક્ષ-કસોટી’..!
અને કસોટી બાદ, આ બધાં લોકો મારા માટે બની જાય છે -કાં તો ‘પાનજીભાઈ’.. અથવા તો ‘શાખજીભાઈ’..અને કાં તો ‘મૂળજીભાઈ’ ...
આ માટેનો તર્ક નીચે મુજબ છે.
.
.
.
પાનજીભાઈ-
અમુક લોકો તમારી જીંદગીમાં એવી રીતે રીતે આવે છે, જાણે કે ઝાડ ઉપર પાંદડા.
આવા લોકો બહુ અલ્પ સમય માટે તમારા જીવનમાં રહે છે…એમ કહોને કે, એક ચોક્કસ ઋતુ-કાળ માટે.
તમે તેમના પર નિર્ભર ના રહી શકો,
બીજા શબ્દોમાં કહું તો..-તેમને તમે ખાસ કંઈ ગણી ના શકો.
કારણ..
આ લોકો નબળા હોય છે.
થોડો ઘણો છાંયડો કદાચ મળી રહે એમના થી..
બસ એટલું જ.
બહુ ફાયદો નથી હોતો આવા લોકોથી.
પરંતુ પાંદડાઓની જેમ જ, આ લોકો તમારા જીવનમાં આવે છે પોતાની જરૂરિયાત માટે..
પોતાને ખપ હોય તેટલું લઇ જવા માટે.
અને જેવો શિયાળો (મંદી-કાળ) આવે તમારા જીવનમાં,
કે પછી..
જેવો સાધારણ એવો મુસીબતનો પવન ફૂંકાય….
અને આ લોકો..આવા પ્રકારના લોકો, તરત ગાયબ થઇ જાય છે…ખરી પડે છે.
આ પ્રકારના લોકો પર રોષ કરવાનો કોઈ અર્થ નથી હોતો,
કારણ..?
બસ..!
તેઓ આવા જ હોય છે અને આવું જ વર્તન કરવાના.
એમની પ્રકૃતિ જ એવી હોય છે.
.
.
.
શાખજીભાઈ:
અમુક લોકો તમારા જીવનમાં એવા હોય છે, જેમ કે ઝાડ પરની શાખ જેવા..ડાળી જેવા.
પેલા પાનજીભાઈઓ કરતાં થોડા વધુ બલિષ્ઠ હોય છે આ લોકો.
પરંતુ તેમનાંથી સચેત તો રહેવું જ રહ્યું.
આ લોકો તમારા મોટાભાગના જીવન-કાળ દરમ્યાન, તમારી આસ-પાસ હરતાં-ફરતાં રહે છે…વળગેલા રહે છે..તમારી સાથે સંબંધ બાંધેલો રાખે છે.
નાના-મોટા, સારા-માઠા જીવન-પ્રસંગોમાં આ લોકો સાથ જરૂર આપે છે.
પણ..
કોઈ ભારે વાવાઝોડું જો આવી જાય તમારી જીંદગીમાં, તો પૂરી શક્યતાઓ છે કે આ લોકોને તમે ગુમાવી બેસશો.
તમારા જીવન-ઝંઝાવાતમાં આ લોકો તમારી સાથે નથી રહેતા.
આમ તો આ લોકો પેલા પાનજીભાઈઓ કરતા વધુ મજબુત, અને તમારી સાથે તેઓ વધુ ઘનિષ્ટતાથી જોડાયેલા હોય છે.
પણ તોયે…
તેમની પાસે દોડી જઈ, તેમના પર તમારો ભાર નાખતા પહેલા.. તમારે તેમની પરખ તો કરવી જ રહી.
મોટેભાગે આ શાખજીભાઈઓ તમારા તરફથી વધુ વજન આવે તો ઝીરવી નહીં શકે.
પણ ફરી પાછું એટલું જ કહેવાનું…
કે આ પ્રકારના લોકો પર ગુસ્સે થવાનો કોઈ મતલબ નથી.
શાખજીભાઈઓનો સ્વભાવ, તેમની પ્રકૃતિ જ આવી હોય છે.
.
.
.
મુળજીભાઈઓ:
આ પ્રકારના લોકોને જો તમે તમારા જીવનમાં જોઈ શકતા હો, તો એમ સમજવું કે તમને કંઇક ખાસ મળી આવ્યું છે.
ઝાડના મૂળિયાની જેમ જ તેઓને આપણે સહેલાઈથી જોવા પામતા નથી.
કારણ..?
કોઈની આગળ પોતાનું પ્રદર્શન કરવું, એવી આ લોકોની ક્યારેય કોશિષ નથી રહેતી.
તેમનું કામ તો બસ..જીવનમાં તમને ટટ્ટાર ઉભા રાખવાનું, તમને એક તંદુરસ્ત, સુખી જીવન જીવાડવાનું જ હોય છે.
તમારાં જીવનમાં તમે ઉંચા ઉગી નીકળો એટલે બસ..
તેઓ ખુશ.....
તેઓ કાયમ પાર્શ્વભૂમિમાં જ રહે છે અને દુનીયાવાળાને પોતાનાં અસ્તિત્વની જાણ પણ થવા દેતા નથી.
તમારા જીવન-ઝંઝાવાતમાં તમને તેઓ મજબૂત રીતે જકડી રાખે છે..ઢીલા પાડવા દેતા નથી.
કારણ..
તેઓ માને છે કે તેમનું તો આ કામ જ છે, તમને ટેકો આપવાનું…તમને પોષણ આપવાનું.
તેમની પાસે જે કઈ જેટલું છે, તે આપી ને તમને પુષ્ટ બનાવવાનું..!!
.
વૃક્ષની જેમજ..
ક્યારેય પણ, કોઈના પણ જીવનમાં પાનજીભાઈઓ અને શાખજીભાઈઓની સરખામણીમાં, મુળજીભાઈઓ ઓછા જ હોવાના.
.
.
હવે, તમારા જીવનમાં જુઓ..
કેટલા પાનજીભાઈઓ અને શાખજીભાઈઓ, અને કેટલા મુળજીભાઈઓ છે તેમાં..?
.
અને હા,
એ પણ જુઓ કે તમે શું છો બીજાના જીવનમાં.....
.
.
મારા જીવનના મુળજીભાઈઓ માટે હું ઈશ્વરનો સદાય આભારી રહેવાનો,
કારણ..
અત્યારે હું જે કંઇ છું.. તે તેમના થકી જ છું..
.

Comments

Popular posts from this blog

હું માનવી માનવ થાઉં તો ઘણું….

વિધાતા ની છઠ્ઠી

ભગવાન ની છઠ્ઠી